15 સપ્ટેમ્બર, (SportsMirror.in), મુંબઇ : સાફ કપ ફુટબોલ ચેમ્પિયનશિપમાં આજે સાતવાર ખિતાબ જીતી ચુકેલી ભારતની ફુટબોલ ટીમનો સામનો એકવાર ખિતાબ જીતનારી માલદિવ સામે ટક્કર થશે. માલદિવની ટીમ નવ વર્ષ બાદ ફાઈનલમાં પ્રવેશી છે. જોકે ભારતીય ટીમમાંથી આજે તમામની નજર યુવા ફુટબોલર મનવીર પર રહેશે. મનવીરે ભારત તરફથી સૌથી વધુ ત્રણ ગોલ ફટકાર્યા છે. મહત્વની વાત એ છે કે સાફ કપમાં રમી રહેલી ભારતની ટીમમાં મોટા ભાગના અંડર 23 ટીમના યુવા ખેલાડીઓ છે. ભારતીય સમય પ્રમાણે આવતીકાલે સાંજે ૬.૩૦ વાગ્યાથી ફાઈનલ શરૃ થશે. ભારતે સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન કપમાં અંડર-૨૩ના ખેલાડીઓને તક આપી છે અને ભારતીય ટીમના હેડ કોચ સ્ટેફન કોન્સ્ટાન્ટીનને ખેલાડીઓએ નિરાશ કર્યા નથી. ભારતે સેમિ ફાઈનલમાં પોતાના કટ્ટર હરિફ પાકિસ્તાનને ૩-૧થી હરાવ્યું હતુ. જ્યારે માલદિવે નેપાળ સામે 3-0 થી વિજય મેળવ્યો હતો.

યુવા ખેલાડી મનવીર પર રહેશે તમામની નજર
ભારતનો મનવીર સિંઘ સાફ કપમાં સૌથી વધુ ત્રણ ગોલ ફટકારી ચૂક્યો છે. ભારતની આક્રમણ પંક્તિના આ યુવા ખેલાડીએ બે ગોલ પાકિસ્તાન સામેની સેમિ ફાઈનલમાં ફટકાર્યા હતા. હવે માલદિવ સામેના મુકાબલામાં ભારતે સંભાળીને રમવું પડશે. ભારતીય ટીમ ફરી વખત ચેમ્પિયન બનવા માટે ફેવરિટ મનાય છે. ગૂ્રપ સ્ટેજના મુકાબલામાં ભારતે ૨-૦થી માલદિવ સામે વિજય મેળવ્યો હતો. આ મેચમા મનવીર સિંઘે અને નિખિલ પુજારીએ એક-એક ગોલ ફટકાર્યા હતા.

ભારતે 2009ની ફાઇનલમાં માલદિવને હરાવી ચુક્યું છે
ભારતે છેલ્લા 2009માં ટુર્નામેન્ટના ખિતાબી જંગમાં માલદિવને હરાવ્યું હતું. તે ફાઈનલમાં બંનેમાંથી કોઈ ટીમ ગોલ ફટકારી શક્યું ન હતું અને પેનલ્ટી શૂટ આઉટમાં ભારતે ૩-૧થી વિજય મેળવ્યો હતો. ભારત વર્ષ ૨૦૧૩માં રમાયેલા સાફ કપની ફાઈનલમાં અફઘાનિસ્તાન સામે ૨-૦થી હાર્યું હતુ. જોકે ત્યાર બાદ ૨૦૧૫માં રમાયેલી ચેમ્પિયનશીપની ફાઈનલમાં ભારતે ૨-૧થી અફઘાનિસ્તાન સામે જીત મેળવી હતી.