24 ઓગષ્ટ, (SportsMirror.in), મુંબઇ : ગુજરાતમાં અમદાવાદની અંકિતા રૈના કે જે હાલ ભારતની નંબર વન મહિલા ટેનિસ ખેલાડી તેને પોતાની કારકિર્દીમાં શાનદાર પ્રદર્શન કરતા એશિયન ગેમ્સની સેમી ફાઇનલ સુધી પહોચી હતી. તમામ ગુજરાતીઓ અને વિશ્વના ટેનીસ ચાહકોમાં અંકિતા રૈના પાસેથી ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચવાની આશાઓ સેવી રહ્યા હતા. પરંતુ તમામની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. તે મહિલા સિંગ્લ્સની સેમી ફાઈનલ હારી ગઈ. તેને ચીનની શુહાઈ ઝેંગે 6-4, 7-6 (8-6)થી હરાવી. ટેનિસમાં સેમી ફાઈનલ હારનારી ખેલાડીને બ્રોન્ઝ મેડલ મળે છે. આમ અંકિતાએ દેશને વધુ એક મેડલ અપાવ્યો. ગુરુવારનો ભારતનો આ પહેલો મેડલ પણ છે. આ સાથે ભારતના મેડલની સંખ્યાં 16 પર પહોંચી ગઈ છે. જેમાં ચાર ગોલ્ડ, 3 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ સામેલ છે.

અંકિતા રૈનાએ પહેલા સેટની દમદાર શરૂઆત કરી પરંતુ પહેલી 3 ગેમ બાદ તેણે લય ગુમાવી દીધી અને શુહાઈ ઝેંગે આ સેટ 6-4થી જીતી લીધો. બીજા સેટમાં બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી અને મુકાબલો ટાઈબ્રેકર સુધી પહોંચી ગયો. ટાઈબ્રેકરમાં એક સમયે શુહાઈ ઝેંગ 6-3થી આગળ હતી પરંતુ અંકિતાએ સતત 3 મેચ પોઈન્ટ બચાવીને સ્કોર 6-6 કરી લીધો. જો કે ત્યારબાદ તે કોઈ અંક મેળવી શકી નહીં. શુહાઈ ઝેંગે સતત બે અંક જીતીને મેચ પોતાના નામે કરી લીધી.