15 સપ્ટેમ્બર, (SportsMirror.in), મુંબઇ : સૈફ ફુટબોલ કપમાં આજે ભારત અને માલદિવ વચ્ચે ખિતાબી જંગ ખેલાશે. ત્યારે ફાઇનલ મેચ પહેલા તમને જણાવી દઇએ કે કઇ ટીમ ચેમ્પિયન માટે વધુ દાવેદાર છે અને બન્ને ટીમનો ઇતિહાસ કેવો રહ્યો છે. સૈફ કપમાં ભારતે સેમી ફાઇનલમાં પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાનને 3-1 થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારત આ જીત સાથે 11મી વાર સૈફ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જ્યારે ફાઇનલમાં ભારતનો સામનો માલદિવ સામે થશે. જેને નેપાલને 3-0 થી હરાવીને પાંચમીવાર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સૈફ ચેમ્પિયનશિપમાં કુલ સાત ટીમો બાંગ્લાદેશ, ભુતાન, ભારત, માલદિવ, નેપાલ, પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમોએ ભાગ લીધો છે.

 

ભારત સૌથી વધુ 7વાર ચેમ્પિયન રહી ચુક્યું છે
સૈફ ચેમ્પિયનશિપની શરૂઆત 1993માં થઇ હતી. જેનું આયોજન પાકિસ્તાનમાં થયું હતું. જેમાં ભારતે શ્રીલંકાને હરાવીને પહેલીવાર ચેમ્પિયન બન્યું હતું. આમ અત્યાર સુધી ભારત કુલ સાત વાર ચેમ્પિયન બની ચુક્યું છે અને ત્રણવાર રનર્સ અપ રહી ચુક્યું છે. ભારત વર્ષ 1993, 1997, 1999, 2005, 2009, 2011 અને 2015માં ચેમ્પિયન રહ્યું હતું. જ્યારે 1995, 2008 અને 2013માં રનર્સ અપ રહ્યું હતું.

ભારત ક્યા વર્ષે કોની સામે ચેમ્પિયન બન્યું

વર્ષ    હરીફ ટીમ

1993  શ્રીલંકા

1997  માલદિવ

1999  બાંગ્લાદેશ

2005  બાંગ્લાદેશ

2009  માલદિવ

2011   અફઘાનિસ્તાન

2015   અફઘાનિસ્તાન

 

માલદિવ એકવાર ચેમ્પિયન રહી ચુક્યું છે
માલદિવે સૈફ ચેમ્પિયનશિપ 2018માં શાનદાર પ્રદર્શન કરતા ચોથીવાર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જોકે માલદિવ હજુ સુધી એક જ વાર 2008માં ચેમ્પિયન બન્યું હતું. ત્યાર બાદ 1997, 2003 અને 2009માં રનર્સ અપ અને 1999માં ત્રીજા સ્થાને રહ્યું હતું. જ્યારે 2005, 2011, 2013 અને 2015માં સેમી ફાઇનલ સુધી પહોચવામાં સફળ રહ્યું છે.


ટાઇટલ જીતવાથી વંચિત રહેનાર દેશો
સૈફ ચેમ્પિયનશિપ અત્યાર સુધી 11વાર યોજાઇ ચુક્યો છે અને હાલ 12મી વખત રમાઇ રહ્યો છે. પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર 7 દેશોમાંથી ત્રણ દેશ એવા છે કે જે ક્યારેય પણ ચેમ્પિયન તો દુરની વાત રનર્સ અપ પણ બનવામાં નિષ્ફળ રહ્યું છે. આ દેશમાં નેપાળ, પાકિસ્તાન અને ભુતાન આવે છે.


સૈફ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધીના વિજેતાઓ

વર્ષ   યજમાન            વિજેતા      રનર્સ અપ

1993 પાકિસ્તાન          ભારત       શ્રીલંકા

1995 શ્રીલંકા              શ્રીલંકા       ભારત

1997 નેપાળ              ભારત       માલદિવ

1999 ભારત              ભારત       બાંગ્લાદેશ

2003 બાંગ્લાદેશ          બાંગ્લાદેશ   માલદિવ

2005 પાકિસ્તાન          ભારત       બાંગ્લાદેશ

2008 માલદિવ-શ્રીલંકા   માલદિવ     ભારત

2009 બાંગ્લાદેશ          ભારત       માલદિવ

2011 ભારત              ભારત       અફઘાનિસ્તાન

2013 નેપાળ              અફઘાનિસ્તાન     ભારત

2015 ભારત              ભારત       અફઘાનિસ્તાન