1 ઓક્ટોબર, (SportsMirror.in), મુંબઇ : ઓલ રાઉન્ડર કેદાર જાધવે શાનદાર પ્રદર્શન કરતા ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને ત્રણ વિકેટથી હરાવી સાતમીવાર એશિયા કપનો ખિતાબ જીતી લીધો છે. ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમ એક પણ મેચ નથી હારી. ભારતીય ટીમે છેલ્લા એક વર્ષમાં 26માંથી 19 વન ડે મેચ જીતી છે. આ દરમિયાન ભારતે 6,505 રન બનાવ્યા છે. જેમાં ટોપ ઓર્ડરે 4,256 રન એટલે કે 65 ટકાનું યોગદાન આપ્યુ છે. બોલર્સમાં સ્પિનર્સ, ફાસ્ટ બોલર પર ભારે પડ્યા છે. સ્પિનર્સે 197માંથી 103 વિકેટ પોતાના નામે કરી છે એટલે કે 52 ટકા વિકેટ ફિરકી બોલરોએ ઝડપી છે.

એશિયા કપમાં પણ ઓપનર્સ-સ્પિનર્સ ભારે પડ્યા

1) એશિયા કપમાં ભારતે છ મેચમાં 1,336 રન બનાવ્યા છે. જેમાં ઓપનર્સે 791 રનનું યોગદાન આપ્યુ છે. આ રીતે ટૂર્નામેન્ટમાં ભારતે વિરોધી ટીમોની 53 વિકેટ પાડી છે. જેમાં 29 વિકેટ સ્પિનર્સે લીધી છે.

2) ગત એક વર્ષ દરમિયાન ભારતે પાંચ વન ડે સિરીઝ અને એક ટૂર્નામેન્ટ રમી છે. જેમાંથી ચાર સિરીઝની સાથે સાથે એશિયા કપ પણ જીત્યો છે પરંતુ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ વન ડે સિરીઝમાં 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો.

3) ભારતે આ દરમિયાન ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ સિરીઝ જીતી છે, તેને ચારમાંથી એક સિરીઝ અને એક ટૂર્નામેન્ટ વિદેશી ધરતી પર જીતી છે. એશિયા કપમાં હોન્ગકોન્ગ, બાંગ્લાદેશ, પાકિસ્તાનને પણ હરાવ્યું.

4) ટીમ ઇન્ડિયાએ પોતાની 19માંથી 13 જીત બીજી બેટિંગ કરતા વિકેટોના અંતરથી જીત મેળવી છે. ભારતે 10 વખત પ્રથમ બેટિંગ કરી અને છમાં જીતવામાં સફળ રહ્યું છે. ભારત પ્રથમ રમતા ચાર અને બીજી ઇનિંગમાં રમતા 2 વખત હાર્યું છે.

ટોસ જીતવામાં ભારતીય સુકાની અનલકી રહ્યો

1) મેચમાં ટોસ જીતવા મામલે ભારતીય કેપ્ટન અનલકી રહ્યું છે. ગત એક વર્ષ દરમિયાન તે 26માંથી માત્ર 10માં જ ટોસ જીતવામાં સફળ રહ્યું છે. જોકે, પરિણામ જણાવે છે કે તેનાથી ટીમ ઇન્ડિયાના પ્રદર્શન પર ઘણો ફરક નથી પડ્યો.

2) ભારતના નિયમિત કેપ્ટન વિરાટ કોહલીએ ગત એક વર્ષ દરમિયાન 20 વન ડેમાં કેપ્ટન્સી કરી છે. આ દરમિયાન તે 12 વખત ટોસ હાર્યો છે જ્યારે આઠ મેચમાં જીત્યો છે. રોહિત શર્મા પણ પાંચમાંથી 2 વખત ટોસ જીતી શક્યો છે.

3) ટોસ જીત્યા બાદ ભારતની મેચ જીતવાની સંભાવના વધી જાય છે. ટીમ ઇન્ડિયાએ 10 વખત ટોસ જીત્યો છે, જેમાંથી 2 વખત એવુ બન્યુ છે જ્યારે તે મેચ હાર્યુ છે. 10 વન ડેમાં ટોસ હાર્યા બાદ પણ ભારત મેચ જીતવામાં સફળ રહ્યું છે.