12 સપ્ટેમ્બર, (SportsMirror.in), મુંબઇ : જાપાન ઓપનમાં ભારતના સ્ટાર ખેલાડીઓએ શાનદાર શરૂઆત કરી છે. આ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સમાં પીવી સિન્ધુ, પુરુષ સિંગલ્સમાં કિદામ્બી શ્રીકાંત અને પ્રણોયની જીત સાથે શરૂઆત થઇ છે. ભારતીય મહિલા ખેલાડી પીવી સિંધુને પ્રથમ રાઉન્ડમાં જ ભારે સંઘર્ષ કરવો પડયો હતો. જેમાં તે બીજા રાઉન્ડનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ તેણે શાનદાર કમબેક કરતા ત્રીજો સેટ જીતીને મેચ પોતાના નામે કરી લીધી હતી. તેણે ૨૧-૧૭, ૭-૨૧, ૨૧-૧૩ થી જાપાનની સ્થાનિક ખેલાડી સાયાકા તાકાહાશીને હરાવી હતી. સિંધુએ ૫૩ મિનિટના સંઘર્ષ બાદ બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે તેનો મુકાબલો ચીનની ફાંગજી ગાઓ સામે થશે.

બીજી તરફ ફાંગજીએ ભારતની જે. વી. રેડ્ડીને ૨૧-૧૦, ૨૧-૮થી પરાજય આપ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી મેજર ટુર્નામેન્ટની ફાઈનલમાં ફ્લોપ રહેતી સિંધુને અહી ટાઈટલ જીતવાની આશા છે.  ભારતના એચએસ પ્રનોયે પ્રથમ રાઉન્ડમાં યાદગાર વિજય મેળવતા એશિયન ગેમ્સના ગોલ્ડ મેડાલીસ્ટ એવા ઈન્ડોનેશિયાના  જોનાથન ક્રિસ્ટીને ૨૧-૧૮, ૨૧-૧૭ થી પરાજીત કર્યો હતો. ભારતના નંબર વન ખેલાડી શ્રીકાંતે ચીનના યુક્ષીંગ હ્યુએંગને ૨૧-૧૩, ૨૧-૧૫ થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ પ્રાપ્ત કર્યો હતો. હવે બીજા રાઉન્ડમાં પ્રનોયનો મુકાબલો ઈન્ડોનેશિયાના એન્થોની સિનિસુકા જીન્ટીંગ સામે થશે. જ્યારે શ્રીકાંતની ટક્કર હોંગકોંગના વિન્સેન્ટ વિંગ કી સામે થશે. જોકે ભારતના સમીર વર્માને મેન્સ સિંગલ્સમાં તેમજ અશ્વિન-સાઈરાજની જોડીને મિક્સ ડબલ્સમાં પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડયો હતો.