20   સપ્ટેમ્બર (SportsMirror.in) Mumbai :   પી.વી. સિંધુ અને કિદાંબી શ્રીકાંતે ચાઈના ઓપનમાં શાનદા પ્રદર્શન કરતાં આગળના રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને અશ્વિની પોનપ્પાની જોડી પણ ક્વાર્ટર ફાઈનલમાં પહોચી ગઈ છે. ભારતીય જોડીએ તેમના કરતાં સારું રેન્કિંગ ધરાવતી ઈંગ્લેન્ડની જોડીને હરાવીને કમાલ કરી છે.

69 મિનિટમાં પી.વી. સિંધુનો વિજય 
પી.વી. સિંધુએ ગુરૂવારે 10 લાખ ડોલરની ઈનામી રકમની ટૂર્નામેન્ટની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં બુસાનન ઓંગ્બામરૂંગફનને 21-23, 21-13, 21-18થી હરાવી હતી. થાઈલેન્ડની બુસાનને પ્રથમ ગેમ જીતી જઈને પી.વી. સિંધુને મુશ્કેલીમાં નાખી દીધી હતી. જોકે સિંધુએ ગેમમાં વાપસી કરતાં બીજી ગેમ જીતી લીધી હતી. ત્રીજી ગેમમાં બંને વચ્ચે કાંટાની ટક્કર થઈ, પરંતુ આખરે સિંધુ 21-18થી વિજય મેળવવામાં સફળ રહી હતી. સિંધુને મેચ જીતવા માટે 69 મિનિટ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો.

સીધા સેટમાં જીત્યો શ્રીકાંત 
સાતમો ક્રમાંકિત કિદાંબી શ્રીકાંત પણ પ્રી-ક્વાર્ટરમાં પહોંચી ગયો છે. તેણે ગયા અઠવાડિયે જાપાન ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલા ડેનમાર્કના રાસમસ ગેમકેને 21-9, 21-19થી હરાવ્યો હતો. હવે તેનો સામનો થાઈલેન્ડની સુપાનયુ અવિહિંગસાનોન સાથે થશે. જોકે, એચ.એસ. પ્રણય પ્રથમ રાઉન્ડમાં જ આઠમા ક્રમાંકિત હોંગકોંગના લોંગ અંગુસ સાથે 16-21, 12-21થી હારીને ટૂર્નામેન્ટમાંથી ફેંકાઈ ગયો હતો.