27 સપ્ટેમ્બર, (SportsMirror.in), સિયોલ : ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલે કોરિયા ઓપનમાં શાનદાર શરૂઆત કરતા ટુર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. તેણે મહિલા સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલ મેચમાં દક્ષિણ કોરિયાની કિમ ગા ઉનને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોચી હતી. રેકિંગમાં 10મોં ક્રમ ધરાવતી સાઇના નેહવાલે 78નો રેન્ક ધરાવતી કિમને 36 મિનિટમાં હાર આપી હતી. સાઇનાએ બે સીધા સેટોમાં 21-18 અને 21-18 થી જીત મેળવી હતી. પહેલા ગેમમાં સાઇનાએ આસાનીથી કિમ પર પોતાનો દબદબો બનાવતા 16-13ની લીડ મેળવી લીધી હતી. પરંતુ દક્ષિણ કોરિયાની ખેલાડીએ પોઈન્ટ મેળવતા ભારતીય ખેલાડી વિરુદ્ધ પોતાનો સ્કોર 18-20 કરી લીધો હતો.

લંડન ઓલંમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાઇનાએ ગેમ પોઈન્ટ હાસિલ કરતા પ્રથમ ગેમ કિમ વિરુદ્ધ 21-18થી પોતાની નામે કરી લીધી હતી. બીજી ગેમમાં કિમે ગેમ્સમાં પોતાની વાપસી કરી અને સાઇનાને 9-5થી પાછળ કરી, પરંતુ હાર ન માનનારી ભારતીય ખેલાડીએ 13-13થી સ્કોર બરાબર કરી લીધો હતો. સ્કોર બરાબર થયા બાદ સાઇનાએ ગેમ્સમાં વાપસી કરી અને કિમને પછાળતા બીજી ગેમ 21-18થી પોતાના નામે કરીને ક્વાર્ટરમાં પ્રવેશ કરી લીધો હતો. ક્વાર્ટર ફાઇનલમાં સાઇનાનો સામનો જાપાનની નોજોમી ઓકુહારા કે હોંગકોંગની યિપ પુઈ યિનમાંથી કોઈ એક ખેલાડી સામે થશે.