Home Cricket મોટેરામાં ઈતિહાસ રચશે ઈશાંત શર્મા, રમશે પોતાના કરિયરની 100મી ટેસ્ટ

મોટેરામાં ઈતિહાસ રચશે ઈશાંત શર્મા, રમશે પોતાના કરિયરની 100મી ટેસ્ટ

2345
0
Ishant Sharma at Motera Stadium
Ishant Sharma at Motera Stadium

Ahmedabad (SportsMirror.in) : અનુભવી ભારતીય ઝડપી બોલર ઈશાંત શર્મા (Ishant Sharma) બુધવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ મોટેરા (Motera Stadium) સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમમાં રમાનારી ત્રીજી ટેસ્ટ મેચમાં ઉતરતાની સાથે જ કપિલ દેવ બાદ 100 ટેસ્ટ મેચ રમનાર બીજો ભારતીય ઝડપી બોલર બની જશે. આ ડે-નાઈટ ટેસ્ટ મેચ રહેશે. મોટેરા સ્ટેડિયમમાં જ ભારતીય દિગ્ગજ સ્પિનર રહેલા અનિલ કુંબલેએ પણ પોતાની 100મી ટેસ્ટ રમી હતી.

વર્ષ 2007માં બાંગ્લાદેશ વિરુદ્ધ ઢાકામાં ડેબ્યૂ કરનાર ઈશાંતે (Ishant Sharma) અત્યારસુધી રમેલી 99 ટેસ્ટમાં 302 વિકેટ ઝડપી છે. તેણે ઘરઆંગણે 39 ટેસ્ટ મેચમાં 103 વિકેટ જ્યારે ઘરની બહાર 60 ટેસ્ટમાં 199 વિકેટ ઝડપી છે. દિલ્હીના ઝડપી બોલરે પોતાના કરિયરમાં સૌથી વધુ વિકેટ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઝડપી છે.

 

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઈશાંતે 25 ટેસ્ટમાં 59 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 19 ટેસ્ટમાં 61, દ.આફ્રિકા વિરુદ્ધ 15 ટેસ્ટમાં 31, વિન્ડીઝ વિરુદ્ધ 12 ટેસ્ટમાં 46, શ્રીલંકા વિરુદ્ધ 12 ટેસ્ટમાં 36, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 7 ટેસ્ટમાં 35, બાંગ્લાદેશ વિરુદ્ધ 7 ટેસ્ટમાં 25, પાકિસ્તાન વિરુદ્ધ એક ટેસ્ટમાં 5 અને અફઘાન વિરુદ્ધ 1 ટેસ્ટમાં 4 વિકેટ ઝડપી છે.

ઈશાંત (Ishant Sharma) અત્યારસુધી 6 કેપ્ટન ધોની, અનિલ કુંબલે, રાહુલ દ્રવિડ, સેહવાગ, વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેની અંડરમાં રમ્યો છે. ઈશાંતે જણાવ્યું કે, માત્ર એક ફોર્મેટમાં રમવાને કારણે તેની માટે 100 ટેસ્ટની સિદ્ધી મેળવવા સુધી પહોંચવું સરળ બન્યું છે. જોકે ઈશાંતે સ્પષ્ટ કર્યું કે, હાલ તે કપિલ દેવના 131 ટેસ્ટના રેકોર્ડની બરાબરી કરવા અંગે હાલ વિચારતો નથી.

ઈશાંતે કહ્યું કે, ‘જો તમે સકારાત્મકતાથી વિચારો તો આ તમારી માટે સરળ રહેશે. એક જ ફોર્મેટમાં રમવાને કારણે 100 ટેસ્ટ સુધી પહોંચવું સરળ બન્યું. લિમિટેડ ઓવર્સ રમત તો કદાચ 100 ટેસ્ટની સિદ્ધી સુધી ના પહોંચ્યો હોત. હું હાલ 32 વર્ષનો છું અને આગળ વધુ સારું પ્રદર્શન કરતો રહીશ.

હું ઓસ્ટ્રેલિયામાં 100 ટેસ્ટની સિદ્ધી મેળવતો તો મને આનંદ થાત. પરંતુ ઈજા સંબંધિત સમસ્યાઓ તમારા નિયંત્રણમાં નથી હોતી. આ વાતોને ભૂલી વહેલી તકે આગળ વધવા માગીશ અને કરિયરમાં મે આ જ શીખ્યું છે.’ વર્ષ 2018થી અત્યારસુધીમાં 20 ટેસ્ટ મેચમાં ઈશાંતે 76 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેણે 4 વખત 5 વિકેટ ઝડપી છે.

આ પણ વાંચો : T20 ક્રિકેટ માટે મારે હવે ગિયર બદલવાનું છે : ચેતેશ્વર પુજારા

ઈશાંત (Ishant Sharma) અત્યારસુધી 11 વખત 5 વિકેટ ઝડપી ચૂક્યો છે. તેણે 99 ટેસ્ટમાં 302 વિકેટ ઝડપી છે. ભારત માટે સૌથી વધુ ટેસ્ટ રમવા મામલે કપિલ દેવ (1978-1994) 131 ટેસ્ટ સાથે ટોચ પર છે. કપિલે પોતાના કરિયરમાં 434 વિકેટ ઝડપી હતી. જે પછી ઈશાંત શર્માનો નંબર આવે છે. ત્રીજા ક્રમે ઝહીર ખાન છે, જેણે 2000 થી 2014 વચ્ચે 92 ટેસ્ટ રમતા 311 વિકેટ ઝડપી છે. ચોથા ક્રમે જવાગલ શ્રીનાથ છે, જેણે 67 ટેસ્ટ મેચ રમતા 231 વિકેટ ઝડપી હતી.

Author: Sarah Ali